Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
0૧. હમ તુમ એક કમરે મેં

એક રિસેપ્શનમાં ચંદુભાઇ મળી ગયા. જેમ વન ડે મેચમાં ફિલ્ડરો ગોઠવ્યા હોય એમ થાળીમાં ત્રણ શાક, દાળ, કઢી, નાન, રશિયન સલાડ, કાશ્મીરી પુલાવ અને બાકી હોય તો દુધપાકની વાટકી ગોઠવીને એમના ૪૮।।" પહોળાઇના પેટમાં પધરાવવાની તૈયારી કરતાં હતા. દૂધપાકનો પહોળો ચમચો હજુ મોં સુધી પહોંચ્યો હશે ત્યાં વિકેટની પાછળથી તેમના શ્રીમતીજી ઉવાચ્યા, "અરે! અરે!.... આ શું કરો છો ? તમને તો સુગર છે ?" ચંદુભાઇનું મોં પડી ગયું. બબડ્યા, "આ સાલુ ડાયાબિટીસ પાછળ પડી ગયું છે." ચંદુભાઇ ખોટા નથી. ડાયાબિટીસ માત્ર એમની નહીં, માનવજાતની પાછળ પડી ગયું છે. વળી ભારત અને ચીન પર તો તેને વિશેષ ભાવ છે....!

ભારતને વિશ્વની ડાયાબિટીસની રાજધાની કહેવામાં આવે છે. અત્યારે ભલે દર આઠ વ્યક્તિએ એકને ડાયાબિટીસ હોય પણ ૨૦૨૫ સુધીમાં દરેક ચોથા ભારતીયને આ "મીઠો" રોગ પોતાની જાળમાં લઇ લેશે. સાથે વધશે અંધાપો, હૃદયરોગ, કીડની ફેલ્યોર, પગની તકલીફો.... અવળવાણી ભાખનારા આંકડાશાસ્ત્રીઓને ડાયાબિટીસે મજા મજા કરાવી દીધી છે....!

પણ આ ડાયાબિટીસને છુટો દોર આપ્યો કોણે ? હવે આપણા ચંદુભાઇને જ પકડોને; ચંદુભાઇના દાદા હતા ખેડુત, રોજ આઠ કલાક મજુરી, વજન ૫૬ કિલો, કમર બેતાલીસ, ખોરાક સાદો, ડાયાબિટીસ બોર્ડરપર હતું અને રહ્યું તે બોર્ડર પર જ.

હવે આપણાં ચંદુભાઇનો દાખલો. શેરદલાલ છે, વજન ૧૦૮ કિલો, ક્ત હોન્ડા સીટીમાં જ ફરે છે. સુગર ફકત ૪૦૦ની આસપાસ રહે છે.

હવે ચંદુભાઇએ ડાયાબિટીસને પકડ્યું છે કે ડાયાબિટીસે ચંદુભાઇને પકડ્યા છે ? કોણ જાણે.... પણ કંઇક આપણું બી એવું છે. અને આપણે જ એને માટી, પાણી, પ્રકાશ, પુરા પાડ્યા છે બેઠાડું જીવનથી, ભારે ખોરાકથી અને માનસિક તાણથી.

હવે ચંદુભાઇના દાદ, તુલસીઆતાના વખતમાં તો કોઇ ડાયાબિટીસનો પણ જાણતું ન હતું. આખી જીંદગી ચાલી જાય અને ડોસાબાપા મોતીયો ઉતરાવવા જાય ત્યાં ખબર પડે કે ડાયાબિટીસ છે. હવે તો આલિયા, માલિયા અને ચંદુભાઇ જેવા ટાલિયાને, જેને પુછો તેને ડાયાબિટીસ છે.

આમ તો છેક વેદોમાં પણ ડાયાબિટીસનો લ્લેખ છે. ચરક અને સુશ્રુતે તેનુ વર્ણન મધુમેહના નામથી કર્યું છે. એક પેરાસેલ્સસ નામના વૈજ્ઞાનિકે ડાયાબિટીસના દર્દીનો પેશાબ ચાખ્યો (જો સુગ ચડે તો નાક બંધ કરી લેશો) અને તે મીઠો લાગ્યો. પછી તેને કાળીને બનાવ્યું કે જે સફેદ ભુકો રહે છે તે ખાંડ છે.

આ વાત સાંભળીને ચંદુભાઇ જરા તપી ગયા. "હા હા એ તો મેં પણ જાણ્યું છે કે પેશાબમાં સાકર હોય. મેં પણ મકોડાને ટોળે વળતાં જોયા છે. પણ મારા પેશાબમાં ખાંડસરીનું કારખાનું આવ્યું ક્યાંથી ? હું તો સાકર ખાતો નથી ને તોય મારા લોહીમાં; આ બળ્યાં માના લેબોરેટરીવાળા, ખાંડ ક્યાંથી ગોતી લાવે છે ? વળી ડોક્ટર પણ ગંભીર મોઢું રાખી, મારા લોહીના રીપોર્ટ જુએ છે ને કહે છે કે ચંદુભાઇ સુગર વધી ગઇ છે, તમારે ઈન્સ્યુલીન લેવું પડશે, દવા ખાવી પડશે. મારા બાપાની તો આખી જીંદગી વહી ગઇ પણ ન તો દવા લેવી પડી અને ન તો ઈન્સ્યુલીન.... આ ડાયાબિટીસ કોણ જાણે કેવી બલા છે ?’ "

ચંદુભાઇને અમે જરા શાંત પાડ્યા. "ચંદુભાઇ, ધીરા ખમો, ડાયાબિટીસ નામની બલા જે તમને કચકચાવીને વળગી છે તેને જરા ઠીકથી સમજો, યાર. જેને તમે સાકર કહો છો તે કાર્બોહાઇડ્રેટ પદાર્થ, આમ જુઓ તો શરીરના કારખાનાનું ઇંધણ છે. આપણે જે ખોરાક લઇએ તેમાંથી શરીર સાદી સાકર બનાવે છે; જેનો સંગ્રહ થાય છે અને વાપરી પણ શકાય."

"જેમ ગાડીમાં પેટ્રોલ વપરાય તેમ શરીરના મશીનને ચલાવવા સાકરરૂપી પેટ્રોલ જરૂરી છે. વળી એટલું જ નહીં પણ આ સાકરમાંથી શક્તિ મેળવવા અને ગાડી ચલાવવા એક ચાવીની જરૂર છે. આ ચાવીનું નામ છે ઈન્સ્યુલીન નામનો હોરમોન. ઈન્સ્યુલીન એક ચાવીની જેમ છે, જેની હાજરીમાં શરીર સાકરમાંથી શક્તિ મેળવે છે. આ ઈન્સ્યુલીન હોજરીની નીચે રહેલ, પીંછા જેવા સ્વાદુપિંડ (પેનક્રીઆઝ) નામના અંગમાંથી સ્ત્રાવ થઇ લોહીમાં ભળે છે."

હવે જ્યારે ડાયાબિટીસ થાય ત્યારે શું થાય છે ? "હમ તુમ ઇક કમરે મેં બંધ હો ઔર ચાબી ખો જાય." આ શરીરમાં સાકર પણ છે અને શક્તિ મેળવવા ઇચ્છનાર અંગ પણ છે. પણ ચાવી ઈન્સ્યુલીન નથી. માટે શરીર ખોરાક લે છે તેમાંથી સાકર બનાવે છે, મગર વહી બાત ખલ્લાસ…., ઇન્સ્યુલીનની ચાવી નથી માટે સાકરમાંથી ન મળે શક્તિ અને લોહીમાં સાકર વધતી જાય. કારણ કે ચારે બાજુ સાકર રૂપી ખોરાકનો ભરાવો છે એમ છતાં શરીરને ભુખમરો છે. ચંદુભાઇ, ડાયાબિટીસમાં લોહીમાં સુગર વધે છે અને આટલી બધી સુગર વચ્ચે શરીરને ભુખમરો છે. શરીર આથી બિચારૂં ક્યાં સુધી ફાંકા સહન કરે! એના જુદા જુદા અંગ નબળા પડતા દેખાય."

ચંદુભાઇ હસ્યા "એમ કહો ને કે આ બધી તાળા-ચાવીની કરામત છે. શરીરની પાચનક્રિયાના તાળાની ચાવી ઈન્સ્યુલીન છે. જે ન હોય તો શરીરે જાત જાતના ખેલ જોવા પડે. પણ આવું થયું હોય તો ખબર કઇ રીતે પડે ? બોસ, એ તો સમજાવો." તો ચાલો આપણે પણ સમજીએ ચંદુભાઇનો કોયડો....

Next
  Untitled Document